Mahagujarat Andolan in Gujarati : અહી બૃહદ મુંબઈ રાજયમાંથી અલગ ગુજરાત રાજય બનાવવા માટે થયેલું મહાગુજરાત આંદોલન વિશે માહિતી આપી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી ને તૈયાર કરવામાં આવી છે.
Mahagujarat Andolan in Gujarati
>> રાજ્યોનું પુનર્ગઠન ભાષાના આધારે યોગ્ય છે કે નહીં તેની સમિક્ષા માટે અહલાબાદ વડી અદાલતના પૂર્વ ન્યાયધીશ એસ. કે. ધારની અધ્યક્ષતામાં “ધાર કમિશન” ની રચના થઈ.
>> જેને 10 ડિસેમ્બર, 1948ના રોજ અહેવાલ રજૂ કરી ભાષાકીય પ્રાંત દેશના હિતમાં નથી, તેમ જણાવી 10 વર્ષ સુધી ભાષાવાર પ્રાંત ન રચવા જણાવ્યુ.
>> ધાર કમિશનના રિપોર્ટનો સમગ્ર ભારતમાં ઉગ્ર વિરોધ થયો અને સંતોષને શાંત પાડવા કોંગ્રેસે જયપૂરમાં યોજાયેલ અધિવેશનમાં (JVP કમિશન) J-જવાહરલાલ નહેરુ, V-વલ્લભભાઈ પટેલ, P-પટ્ટાભી સિતારમણથી બનેલું કમિશન નિમ્યુ. જેણે 1લી એપ્રિલ 1949ના રોજ અહેવાલ રજૂ કર્યો અને ભાષાવાર પ્રાંત રચવાનો વિરોધ કર્યો.
>> પરંતુ 1952માં મદ્રાસ રાજયમાંથી તેલગુભાષીઓનું અલગ રાજય આંધ્રપ્રદેશ બનાવવા પોટોશ્રી રામુલ્લુનું 56 દિવસના ઉપવાસ પછી મૃત્યુ થયું અને મદ્રાસમાં તોફાનો ફાટી નીકળ્યા.
>> પરિણામે 1લી ઓક્ટોબર 1953ના રોજ અલગ આંધ્રપ્રદેશ રાજયની રચના થઈ.
ફરી એકવાર રાજય પુનર્ગઠન પંચની રચના થઈ.
>> ઇ.સ 1953માં રાજય પુન: ગઠન પંચના અધ્યક્ષ : ન્યાયમુર્તિ ફઝલઅલી અને બીજા બે સભ્યો 1). કવ્વાલમ માધવ પાનીકર 2). હદયનાથ કુંજરું હતા.
>> 10 જાન્યુઆરી, 1955ના રોજ ફઝલઅલી આયોગે ભારત સરકારને અહેવાલ સોંપ્યો જેમાં રાજ્યોની રચના ભાષા આધારે નહીં પણ વહીવટી સરળતાના આધારે કરવાની નક્કી કરી.
>> ફઝલઅલી આયોગ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને મરાઠાવાડને ભેળવી મુંબઈ રાજય અને અલગ વિદર્ભ રાજય બનાવવાની ભલામણ કરી.
>> ફઝલઅલી આયોગનો તીવ્ર વિરોધ થયો. મુંબઈ તેમજ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને તળગુજરાતમાં ખૂબ જ વિરોધ થયો. અને તોફાનો ફાટી નીકળ્યા.
>> 25 ઓકટોબર, 1955ના રોજ મહેમદાબાદ ખાતે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સભામાં એવું નક્કી થયું કે મહારાષ્ટ્ર , મુંબઈ અને ગુજરાત એમ ત્રણ અલગ રાજયો બનશે.
>> 17 જાન્યુઆરી, 1956ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા આકાશવાણી પરથી પ્રવચન કરી જાહેર કર્યું કે કચ્છ સૌરાષ્ટ્ર સહિતનું ગુજરાત, વિદર્ભ સહિતનું મહારાષ્ટ્ર અને મુંબઇ શહેર અલગ રાજય બનશે.
>> આથી ગુજરાતનાં તમામ અખબારોએ પ્રથમ પાને મોટા મથાળે “જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત” કવિતાના શબ્દો છપાયા હતા.
>> મુંબઈ મહારાષ્ટ્રથી અલગ થવાની વાતથી મરાઠી પ્રજા દ્વારા મુંબઈમાં ઠેર ઠેર તોફાનો ફાટી નીકળ્યા. અને ત્રણ રાજ્યોના વિરોધમાં મેહસૂલ મંત્રી ભાવસાહેબ હિરે, સ્થાનિક મંત્રી વાય. બી. ચૌહાણે રાજીનામાં આપી દીધા હતા.
>> ત્રણ રાજ્યોના વિરોધમાં વિનોબા ભાવેએ કહ્યું કે “હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઈ શહેર ઉપર દાવો કરું પરતું તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતી ઉપર છોડું છું”
>> આ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન અમ્રુતસરમાં મળ્યું અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું કે “કોઈપણ નિર્ણય હિંસા વડે ફેરવી શકાશે નહીં, નિર્ણયો લોકશાહી રીતે કરવાના હોય છે. અને તે શેરીઓમાં લઈ શકાય નહિ.”
>> 7 ઓગસ્ટ, 1956ના રોજ લોકસભામાં ત્રણ રાજયોની યોજનાનો અસ્વીકાર થયો અને તેના સ્થાને દ્વિભાષી રાજયનો ઠરાવ 241 વિરુદ્ધ 40 મતોથી પસાર થયો.
>> 8 ઓગસ્ટ, 1956ના ગુજરાતના સમાચાર પત્રોમાં દ્વિભાષી મુંબઈ રાજયને મંજૂરીના સમાચાર છપાતાં સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો.
>> 8મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય વિધાર્થી મંડળ દ્વારા લો કોલેજ પાસે ડો. અનંત શૈલતના પ્રમુખ પદે સભા થઈ જેમાં “પગલાં સમિતિ” ની રચના કરવામાં આવી.
>> વિધાર્થીઓનું ટોળું ભદ્રમાં આવેલા કોંગ્રેસ ભવન પર ગયું જ્યાં કોંગ્રેસી નેતાઓ અને વિધાર્થીઓ વચ્ચે બોલાચાલી થતાં પથ્થર મારો શરૂ કરવામાં આવ્યો. આથી પોલીસે કોઈપણ પ્રકારની સૂચના આપ્યા વગર બપોરના 2 : 10 કલાકે ગોળીબાર શરૂ કર્યો જેમાં પાંચ વિધાર્થી શહિદ થયા.
શહિદ થયેલ વિદ્યાર્થીઓના નામ :
1). કૌશિક ઇંદુલાલ વ્યાસ
2). અબ્દુલ વીરભાઈ
3). સુરેશ જયશંકર
4). ડી.જી. દારાસ્વામી
5). પુનમચંદ
>> 09 મી ઓગસ્ટ, 1956ના રોજ રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળીની સભા લો-કોલેજમાં સવારે મળી.
>> જેમાં 8 મી ઓગસ્ટ ના બનાવને “શહિદ દિવસ” મનાવવાનું નક્કી થયું અને મહાગુજરાત પગલાં સમિતિની રચના કરવામાં આવી. મહાગુજરાત પલગા સમિતિ 15 સભ્યોની બનેલી હતી.
>> વિધાર્થીઓએ શહિદ વિનોદ કિનારીવાલાની ખાંભીને બપોરે 12 વાગે અંજલિ આપી અને બધાએ મહાગુજરાતના શપથ લીધા.
>> 8 ઓગસ્ટ 1956ના રોજ થયેલા ગોળીબારની તપાસ કરવા માટે ત્રણ સભ્યોનું વામનરાવ આર. ધોળકિયા પંચ નિમાયું.
>> જેમના અધ્યક્ષ વામનરાવ આર. ધોળકિયા હતા. અને તેના અન્ય બે સભ્યો સી.સી. પરિખ અને બાબુરામ મહેતા હતા.
>> ગોળીબાર સમયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઠાકોરભાઈ દેસાઇ હતા.
>> અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ત્રિકમલાલ પટેલ હતા.
>> ગોળીબાર દરમિયાન કોંગ્રેસ હાઉસમાં હાજર કોંગ્રેસી સભ્યો ત્રિકમલાલ પટેલ, કે.ટી શાહ, મગનભાઈ પટેલ, જમનાશંકર પંડયા અને દેવીપ્રસાદ રાવળ હતા.
>> આ સમયગાળા દરમિયાન ગુજરાત કોંગ્રેસનાં મહામંત્રી ઠાકોર ભાઈ દેસાઇએ કહ્યું હતું કે “બંધુકની ગોળીઓ ઉપર કોઈના નામ-સરનામા લખેલા હોતા નથી.”
>> ગોળીબાર પછી રવિશંકર મહારાજે કહ્યું કે : ગાંધીજી કહેતા હતા, અંગ્રેજોના ગયા પછી ગોળીઓ તમે લખોટીની જેમ રમી શકાશે. પરંતુ તેમના ગયા પછી તેની કોઈ અસર થઈ નહીં. ગોળીબાર થયા પછી મને એક માહિનો ખાવાનું ભાવ્યું નથી.
>> ગોળીબારના વિરોધમાં મ્યુનિસિપલ કોર્પોરેટર પુરુષોત્તમ બ્રહ્મભટ્ટ છીકણીવાળાએ રાજીનામું આપ્યું.
>> “ગલી ગલી મે ગુંજે નાદ” નામની પુસ્તિકા બકુલ જોશીપૂરાએ તૈયાર કરાવી.
વિદ્યાર્થી અને યુવાનોના ટોળાં…..
મહાગુજરાત ઝિંદાબાદ
લે કે રહેંગે મહાગુજરાત
મોરારજી હાય હાય
ગલી ગલી મે ગુંજે નાદ અમારે જોઈએ મહાગુજરાત
જેવા સૂત્રો પોકારવા લાગ્યા.
>> 10 ઓગસ્ટ, 1956ના રોજ જનસત્તા દૈનિકનું પ્રથમ પેજ સાવ કોરું રાખી માત્ર કાળી બોર્ડર રાખીને વચ્ચે લખવામાં આવ્યું. “ઉન શહીદો કી યાદ મેં જીન્હોને અપને ખૂન સે ગુજરાત કે બાગ કો સીંચા”
>> જનસત્તાએ મહાગુજરાત આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. જનસત્તાના તંત્રી રમણલાલ શેઠ હતા.
>> 11 મી ઓગસ્ટના રોજ અમદાવાદના મેયર ચિનુભાઈ ચીમનભાઈ શેઠ, નાયબ મેયર ચંદ્રકાન્ત ગાંધી અને કોંગ્રેસી ધારાસભ્ય જયક્રુષ્ણ હરિવલ્લભદાસે પોતપોતાના પદ પરથી રાજીનામાં આપ્યા.
>> 13 ઓગસ્ટ, 1956ના દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને વિશાળ સરઘસ કાઢી શહિદ સ્થળે પુષ્પાંજલિ આપવામાં આવી.
>> શહીદ દિવસ નિમિતે સાંજે પાંચ વાગે લોકતંત્રના મેદાનમાં “મહાગુજરાત વિદ્યાર્થી સમિતિ” ની સભા મળી જેની અધ્યક્ષતા ડો. અનંત શેલતે કરી હતી.
>> 13 ઓગસ્ટના શહીદ દિનના આ સમારંભને અને મહાગુજરાત આંદોલનને સરદાર પટેલના પુત્ર ડાહ્યાભાઈ પટેલે ટેકો જાહેર કર્યો. તે જાણીને ગુજરાતની પ્રજામાં કઇંક અનેરો ઉત્સાહ ફેલાયો.
>> ગોળીબાર અંતે વિવિધ આગેવાનો દ્વારા ઉગ્ર નિવેદનો કરવામાં આવ્યા ઠેર ઠેર કોંગ્રેસી નેતાઓ રાજીનામાં આપવા લાગ્યા.
>> જેમાં ગોળીબાર વિરોધમાં સૌથી વધુ રાજીનામાં મહેસાણા જિલ્લામાંથી પડ્યા હતા.
>> બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ “ચિનુભાઈ પટેલે” રાજીનામું આપીને ધડાકો કર્યો કે “મહાગુજરાતની રચના થયા વગર સફેદ ટોપી પહેરીશ નહીં” તેમ કહીને પોતાની ટોપી ઉતારી દીધી.
>> 15 ઓગસ્ટ, 1956 સ્વતંત્રતા દિવસને ગુજરાતની જનતાએ શોકદિન તરીકે ઉજવ્યો.
>> લો-કોલેજના મેદાનમાં મહાગુજરાત વિધાર્થી સમિતિની સભા થઈ જેમાં ગોળીબારમાં સૌપ્રથમ મૃત્યુ પામેલ સુરેશ ભટ્ટના માતા સવિતાબેનના હસ્તે ધવ્જવંદન થયું.
>> તે પ્રસંગે સવિતાબેને કહ્યું કે “મારા અને મારા જેવી બીજી માતાઓના દીકરાઓનું મોત એળે ના થાય તેવી હું લોકોને વિનંતી કરું છું.”
>> 19 ઓગસ્ટ, 1956ના રોજ લાલ દરવાજાના મેદાનમાં મોરારજી દેસાઇની સભાનું આયોજન કરવામાં આવ્યું. તે પહેલા મોરારજી દેસાઇએ કહ્યું કે “ હું ગુજરાતને હિંદના હિત માટે હોડમાં મૂકવા તૈયાર છું, પણ ગુજરાતના હિત માટે હિંદને હોડમાં મૂકવા તૈયાર નથી”
>> આ સભામાં અમદાવાદના લોકોએ જાતે જ “જનતા કરફ્યુ” રાખતા સભા સ્થળે કાગડા ઊડ્યાં હતા.
>> ત્યારબાદ મોરારજી ભાઈ દેસાઇએ ગાંધીજીએ આપેલું છેલ્લું શાસ્ત્ર અજમાવ્યું. તેમણે તેમના ભાઈના નિવાસસ્થાને ઉપવાસ શરૂ કર્યા અને કહ્યું કે જ્યાં સુધી અમદાવાદના શહેરી જનો મને શાંતિથી સંભાળશે નહીં , ત્યાં સુધી હું અન્નત્યાગ કરું છું.
>> 26 ઓગસ્ટ, 1956ના રોજ લાલ દરવાજા ખાતે જાહેર સભાનું આયોજન થયું અને અમ્રુતલાલ હરગોવિંદ દાસ શેઠના હસ્તે મોસંબીનો રસ પીવડાવી મોરારજી દેસાઇના પારણા કરાવવામાં આવ્યા.
>> આ સભામાં મોરારજીભાઈ દેસાઇએ પ્રવચન આપતા કહ્યું કે “મારા મરણથી કેટલાક ખુશ થવા માગતા હતા, પરંતુ મારે આવી ખોટી રીતે બલિદાન આપવું જોઈએ નહીં”
>> આ સભા દરમ્યાન કેટલાક યુવાનોએ તોફાનો કર્યા જેથી પોલીસે ટિયરગેસ છોડતા એક યુવાનનું મૃત્યુ થયું અને 75 લોકોની ધરપકડ કરી.
મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના
>> આ બાજુ મહાગુજરાતના આંદોલનકારી એક થયા અને 9 સપ્ટેમ્બર, 1956ના રોજ “મહાગુજરાત જનતા પરિષદ” ની રચના કરવામાં આવી.
>> જેમાં પ્રજા સમાજવાદી પક્ષ, કોંગ્રેસ માંથી છૂટા પડેલા આગેવાનો અને સામ્ય વાદી પક્ષ પણ જોડાઈ ગયો.
મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ : ઇન્દુલાલ યાજ્ઞિક
ઉપાધ્યક્ષ : હિંમતલાલ શુક્લ
સંયોજક : જયંતિ દલાલ
કોષાધ્યક્ષ : ગણપતરામ પટેલ
>> આ સભાની શરૂવાત “જય જય ગરવી ગુજરાત”, દિન ખૂન કે હમારે” ગીતોથી કરવામાં આવી હતી.
>> મહાગુજરાત પરિષદે સૌપ્રથમ 8 ઓગસ્ટના દિવસે શહીદ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
>> 1 ઓકટોબર, 1956ના રોજ ધોળકોયા પંચનો રિપોર્ટ આવ્યો કે 8 ઓગસ્ટના રોજ થયેલ ગોળીબાર અકારક હતા. અને તેના માટે પોલીસ જવાબદાર છે.
જવાહરલાલ નહેરુ અને ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભા
>> 2 જી ઓક્ટોબર, 1956ના રોજ ગાંધી જયંતિ નિમિતે વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા. લાલા દરવાજાના મેદાનમાં નહેરુની સભા થઈ.
>> જવાહરલાલ નહેરુની સભા સામે બરાબર આ જ સમયે લૉ-કોલેજ મેદાનમાં મહાગુજરાત જનતા પરિષદે સભા બોલાવેલી અને ઇંદુલાલ યાજ્ઞિકની સમાંતર સભાનું આયોજન કરવામાં આવ્યું.
>> ઇન્દુલાલ યાજ્ઞિકની સભા જવાહરલાલ નહેરુની સભા કરતાં અનેક ગણી મોટી હતી. આ સભા દરમ્યાન ઇન્દુલાલ યાજ્ઞિકને ‘ઇન્દુચાચા’ નું બિરુદ મળ્યું.
>> 8 ઓક્ટોબર, 1956ના રોજ શહીદ દિનને બે મહિના પૂરા થતાં હોવાથી ‘મહાગુજરાત જનતા પરિષદે’ મૌન સરઘસ કાઢ્યું.
>> 12 ઓક્ટોબર, 1956 રોજ રાયખંડના પ્રાર્થના સમાજ હોલમાં મહાગુજરાત જનતા પરિષદની કારોબારીની જાહેરાત થઈ. જે નીચેમુજબ હતી.
પ્રમુખ : ઇન્દુલાલ યાજ્ઞિક
ઉપ-પ્રમુખ : વામનરાવ ધોળકિયા, હિંમતલાલ શુકલ, પુરુષોતમદાસ પટેલ, રાયચંદ્ર અમીન
કોષાધ્યક્ષ : ગણપતરામ પટેલ
મંત્રી : બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, ગંગારામ રાવળ અને કરસનદાસ પરમાર
સંયોજક (પ્રધાનમંત્રી) : જયંતિ દલાલ
>> અધ્યક્ષ બન્યા બાદ ઇન્દુચાચાએ નિવેદન આપ્યું કે “જે સોનાની કટારી મે કમ્મર ઉપર બાંધેલી તે જ મારા પેટમાં વાગી છે અને હું કટાયેલી તલવાર જેવો માળીયામાં પડેલો તેની સજાવટ કરી તમે મને મેદાનમાં મૂક્યો છે.”
>> 28 ઓક્ટોબર, 1956 ધનતેરસનો દિવસ હતો. આ દિવસે જનતા પરિષદે મશાલ સરઘસ કાઢયું.
>> આ સરઘસમાં પ્રવીણ ચાલીસા હજારે એ ઇંદુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ ભેટ આપી હતી.
>> 28 ઓક્ટોબરના રોજ ડો. રામ મનોહર લોહીયા અમદાવાદ આવ્યા અને મહાગુજરાત આંદોલનને સમર્થન આપતા કહ્યું કે “ગાંધીજીની સંસ્થાઓ ગોળીઓ ચલાવતી થશે, તો દેશની હાલત બૂરી થશે. આઝાદ ભારતમાં ગોળીબાર ન થવો જોઈએ.”
>> 1લી નવેમ્બર 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજય શરૂ થયું. નવા દ્વિભાષી મુંબઈ રાજયના મુખ્ય પ્રધાન “યશવંતરાય ચોહાણ” બન્યા
>> આ બાજુ દેશની બીજી સામાંન્ય ચૂંટણી આવી ગઈ ચૂંટણી ટાણે જ જનતા પરિષદના આગેવાનોને જેલમાં ધકેલી દેવાની યોજનાથી જનતા પરિષદના પીઠબળને તોડવાનો પ્રયાસ કરાયો.
>> ઇ.સ 1957ની બીજી સામાન્ય ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદે ભાગ લેવાનું નક્કી કર્યું.
>> મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણી પ્રતિક “કૂકડા”નું હતું.
>> જ્યારે જનતા પરિષદે ઊભા રાખેલ અપક્ષ ઉમેદવારનું ચૂંટણી પ્રતીક “સિંહ”નું હતું.
>> જેમાં ઇન્દુલાલ યાજ્ઞિક લોકસભાના ઉમેદવાર બન્યા.
ચૂંટણી સમયે નેતાઓએ આપેલા નિવેદનો
1). ઇન્દુલાલ યાજ્ઞિક : અમદાવાદની પ્રજા બુલેટનો જવાબ બેલેટથી આપશે.
2). યશવંતરાય ચૌહાણ : બ્રિટિશ સરકારને ફેંકી દેનાર કોંગ્રેસ ધાંધલ ધમાલથી ડરશે નહીં.
3). રતુભાઈ અદાણી : રાત-દિવસ એક થાય અને પર્વનો સૂર્ય પશ્ચિમમાં ઊગે તો પણ મહાગુજરાત નહિ થાય”
4). હરિહર ખંભોળજા : એક નહિ 11 મોરારજી ભાઈ અને 22 જવાહરલાલ નહેરુ આવે તો પણ મહાગુજરાતને આવતું કોઈ રોકી શકશે નહીં.
5). ત્રિકમલાલ પટેલ : ગુજરાત-મહારાષ્ટ્ર એક સાથે રહી શકે નહીં
6). ઠાકોરભાઈ દેસાઇ : યુવાનોને ગેરશિસ્તે દોરી નાગરિકોને કચડી નાખવાનો પ્રયાસ થાય છે. તેને નભાવી લેવું ઝેર પીવા બરાબર છે.
સામાન્ય ચૂંટણીનું પરિણામ
મુંબઈ વિધાનસભાની 132 બેઠકો માંથી ગુજરાતની 100 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ સૌપ્રથમ દાહોદની દેવગઢ બારિયા બેઠકનું પરિણામ આવ્યું જેમાં મહાગુજરાત જનતા પરિષદના ઉમેદવાર જયંતકુમાર પંડ્યાનો વિજય થયો.
લોકસભામાં મહાગુજરાત જનતા પરિષદના જીતેલા ઉમેદવારો
1). ઇન્દુલાલ યાજ્ઞિક : અમદાવાદ શહેરમાંથી ચૂંટાયા
2). કરસનદાસ પરમાર : સૌથી નાની વયના સંસદ સભ્ય
3). પુરુષોતમદાસ પટેલ : મહેસાણા બેઠકથી
4). મોતીસિંહ ઠાકોર : મહેસાણા બેઠકથી
5). ફતેસિંહ ડાભી : ખેડા બેઠકથી
ચૂંટણી પછી મહાગુજરાત જનતા પરિષદના ચૂંટાયેલા સભ્યોનું સંમેલન અમદાવાદના ખાડિયા વિસ્તારમાં “ઐદિચ્ચવાડી” ખાતે રાખ્યું.
ઇન્દુલાલ યાજ્ઞિકનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું જેમાં ‘ગુજરાત કા નેહરૂ ઇન્દુચાચા’ અને ‘મહા ગુજરાત લે કે રહેગે’ જેવા નારા લાગ્યા.
8 ઓગસ્ટ, 1957- શહીદ દિનની પ્રથમ વરસી
>> 8 ઓગસ્ટ, 1956માં ગોળીબાર પછી મહાગુજરાત વિધાર્થી પગલાં સમિતિએ 8 ઓગસ્ટએ દર વર્ષે શહીદ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
>> ગોળીબાર પ્રશ્ને વિધાર્થીઓને શાંત પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ચીનુભાઈ પટેલે શહીદ સ્મારક રચવા સહકાર આપશે તેવી જાહેરાત કરી હતી પણ લાંબા સમય સુધી તેના માટે પગલાં લેવાયા નહિ.
>> મહાગુજરાત જનતા પરિષદે “શહીદ સ્મારક સમિતિ” ની રચના કરી જેમાં બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, કરસન દાસ પરમાર અને હરીહર ખંભોળજ જેવા આગેવાનો હતા.
>> 8 ઓગસ્ટ, 1958ના રોજ શહીદ દિનની બીજી વરસીએ અમદાવાદ, કલોલ અને નડિયાદમાં શહીદ ખાંભી રચવાનો મહાગુજરાત જનતા પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો.
>> તે સમયે અમદાવાદના કલેક્ટર હિરેડિયા હતા, પોલીસ કમિશ્નર અધિકારી રેનિશન હતા. જ્યારે ડિવિઝનલ કમિશ્નર સાઠે હતા.
>> 8 મી ઓગસ્ટ, 1958ના રોજ મહાગુજરાત જનતા પરિષદે 1956માં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા કાર્યકરોની જ્ગ્યાએ શહીદ સ્મારક રચવા કોશિશ કરી.
>> આવા ઉત્તેજનાભર્યા વાતાવરણ વચ્ચે સત્યાગ્રહની ટુકડી ભારે માનવમહેરામણ સાથે ટ્રાફિક સર્કલ પહોંચી અને બપોરેના 2:17 મિનિટે ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે ખાંભી મૂકી દીધી.
>> આવા વાતાવરણમાં પોલીસે અભૂતપૂર્વ સંયમ રાખ્યો તેનું મૂળ કારણ મુંબઈ રાજયના મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે એવો હુકમ કટેલો કે ખાંભી મૂકાતા હોય તો મૂકવા દેવી પરંતુ માનવ મહેરામણ ઉપર કોઈએ ગોળી છોડાવી નહીં.
>> 12ઓગસ્ટ, 1958ના રોજ વહેલી સવારે અમદાવાદ, નડિયાદ અને કાલોલ ખાતે રચવામાં આવેલી શહીદોની ખાંભી પોલીસે આવીને ઉખાડી લીધી અને ત્યાં ચોકી કરતાં કાર્યકરોની ધરપકડ કરી.
>> આ સાથે અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યા 24 કલાકનો કરફ્યુ નાખવામાં આવ્યો.
>> ખાંભી ઉઠાવી લેવાના સરકારના કૃત્યની વિરોધમાં ઇન્દુલાલ યાજ્ઞિકે 7 દિવસના ઉપવાસ જાહેર કર્યા.
>> તોફાનોની હકીકત જાણવા મુંબઈથી મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણ અને મહેસૂલ મંત્રી રસિકલાલ પરિખ અમદાવાદ આવ્યા.
>> ત્યારબાદ યશવંતરાય ચૌહાણે અમદાવાદમાં આકાશવાણી ઉપર જાહેર કર્યું કે “આ મહાન શહેરનું નામ બદનામ ન થાય, તે રીતે વર્તવા મારી નાગરિકોને વિનંતી છે.” યશવંતરાય ચૌહાણ વધુમાં કહ્યું કે ખાનગી જગ્યામાં સ્મારક થાય તેમાં સરકારને કોઈ વાંધો નથી, પરંતુ જાહેર માર્ગમાં સ્મારક થઈ શકે નહિ. આ જાહેરાતથી ‘શહીદ સ્મારક સત્યાગ્રહ’ શરૂ થયો.
શહીદ સ્મારક સત્યાગ્રહ (ખાંભી સત્યાગ્રહ)
>> 16 ઓગસ્ટ, 1958ના રોજ દરિયાપૂરમાં મળેલી જાહેરસભામાં ઇન્દુલાલે “શહીદ સ્મારક સત્યાગ્રહ” શરૂ કરવાની જાહેરાત કરી.
>> જેમાં સવારે આઠ વાગે પ્રથમ ટુકડી માણેક ચોક તિલક મેદાનથી નીકળી શહીદ સ્મારક પાસે જશે. પ્રતિબંધિત હુકમોનો ભંગ કરી સ્વેચ્છાએ ધરપકડ વહોરી લેશે અને જેલ ભરો આંદોલન થશે.
>> 17 ઓગસ્ટ, 1958ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં પ્રથમ ટુકડી માણેકચોકથી નીકળીને ત્રણ દરવાજા પાસે પહોંચી ત્યારે તેમની ધરપકડ કરીને જેલ લઈ જવાયા અને 6 અઠવાડીયાની સજા થઈ.
>> મુંબઈ સરકારે સત્યાગ્રહને બદનામ કરવાના આશયથી તેમજ ખાંભી ખસેડયા પછી જે બનાવો બન્યા તે હકીકતની તપાસ કરવા મુંબઈ હાઇકોર્ટના જસ્ટિસ કોટવાલના અધ્યક્ષ નીચે ‘કોટવાલ પંચ’ ની નિમણૂક કરી.
>> કોટવાલ પંચે પોતાની તપાસ અંતે તોફાનો માટે મહાગુજરાત જનતા પરિષદને જવાબદાર ઠેરવી.
>> શહીદ સ્મારક સત્યાગ્રહ સતત 226 દિવસ ચાલ્યો અને અંતે કેન્દ્ર સરકાર ઝૂકી.
>> મુંબઈ રાજયના મુખ્યમંત્રી યશવંતરાય ચૌહાણે કહું કે ‘ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાઈ નથી આથી સત્વરે વિભાજન કરવામાં આવે’
>> 28 નવેમ્બર, 1959ના રોજ અમદાવાદના કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે પંડિત જવાહરલાલ નહેરુએ જંગી જાહેર સભામાં ખૂબ જ નમ્રતાથી ગુજરાતની માંગણી સ્વીકારી અને શહીદો માટે દૂ:ખ વ્યક્ત કર્યું.>> 8 ફેબ્રુઆરી 1960ના રોજ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે સંસદમાં જાહેરાત કરી કે મુંબઈ રાજયનું વિભાજન કરવાનું બિલ ચાલુ સત્રમાં રજૂ થશે.
>> 24 ફેબ્રુઆરીના દિવસે દિલ્હીથી મોરારજીભાઈ દેસાઇએ એવી જાહેરાત કરી કે મહારાષ્ટ્ર રાજયનું ઉદ્ઘાટન 28 એપ્રિલ 1960ના રોજ શિવાજી જયંતિના દિવસે થશે અને ગુજરાત રાજયનું ઉદ્ઘાટન 1લી મે, 1960ના રોજ થશે.
>> 19 એપ્રિલ, 1960ના રોજ મુંબઈ વિભાજનનું બિલ સંસદમાં પસાર થયું.
>> 25 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિએ મુંબઈના વિભાજનને લગતા ખરડા પર હસ્તાક્ષર કર્યા અને તે જ દિવસે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયો.
>> 25 એપ્રિલના રોજ ગુજરાતના નવા પ્રધાનમંડળ અને નાયબ પ્રધાનોની યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી.
રાજયપાલ : | શ્રી મહેંદીનવાજ જંગ |
મુખ્યમંત્રી : | ડો. જીવરાજ મહેતા |
સ્પીકર : | માનસિંહ રાણા |
અન્ય પ્રધાનો : | 1). રસિકલાલ પરિખ 2). હિતેન્દ્રભાઈ દેસાઇ 3). શ્રીમતી કમળાબેન પટેલ 4). અકબરઅલી જસદણવાલા 5). પ્રેમજી ભવાનજી ઠક્કર 6). જશવંતલાલ શાહ 7). માણેકલાલ શાહ 8). બહાદુરભાઈ પટેલ |
>> 1લી મે, 1960ના રોજ ગુજરાત રાજયનો સ્થાપના દિવસ ઉજવાયો. અમદાવાદમાં સાબરમતીના ગાંધી આશ્રમમાં રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન થયું અને તેને ગુજરાતનાં નવા મંત્રીમંડળને સોગંધ લેવડાવ્યા,
>> 27 જુલાઇ, 1962ના રોજ શહીદોનું સ્મારક રચવા અંગેની માંગણી કરતો ઠરાવ “બ્રહ્મકુમાર ભટ્ટે” ગુજરાત વિધાન સભામાં રજૂ કર્યો.
>> 19 સપ્ટેમ્બર, 1968ના રોજ મહાગુજરાત ચળવળમાં શહીદ બનેલાં શહીદોના સ્મારકનું ઉદ્ઘાટન ‘ઇન્દુલાલ યાજ્ઞિક’ ના હસ્તે થયું.
>> આમ મહાગુજરાત આંદોલન 2 વર્ષ, 8 મહિના અને 24 દિવસ ચાલ્યું.
મહાગુજરાત સમયના સમાચાર પત્રો
સમાચાર પત્રો | તંત્રી |
---|---|
જનસત્તા | રમણલાલ શેઠ |
લોક સત્તા | રમણલાલ શેઠ |
નવગુજરાત દૈનિક | બ્રહ્મકુમાર ભટ્ટ |
ગુજરાત ટાઈમ્સ | ચંદ્રકાન્ત પટેલ |
આગે કદમ | હર્ષદ પરિખ |
જનતંત્ર | હરીહર ખંભોળજા |
મહાગુજરાત સાપ્તાહિક | મહેંદ્ર દેસાઇ |
લે કે રહેંગે મહાગુજરાત | બ્રહ્મકુમાર ભટ્ટ |
સત્યાગ્રહ લંબાતા ગુજરાતના સમાચાર પત્રોએ સત્યાગ્રહના સમચાર છાપવાનું બંધ કર્યું આથી જનતા પરિષદે જનતંત્ર અને નવગુજરાત દૈનિક શરૂ કર્યા.
નવગુજરાત દૈનિક પાછળ પ્રજાસમાજવાદી પક્ષનું પીઠબળ હતું જ્યારે જનતંત્ર પાછળ સામ્યવાદીઓનું પીઠબળ હતું.
મહાગુજરાત આંદોલન સમયના જાણીતા નિવેદનો
1). ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી. : ઇન્દુલાલ યાજ્ઞિક
2). આપણી લોકશાહીમાં ‘લોક’ આપણી સાથે છે. શાહી અને શાહીપણું નહેરુ સાથે છે. : સનત મહેતા
3). હું ગુજરાતને હિન્દુસ્તાનના ભલા માટે હોડમાં મૂકવા તૈયાર છું, પણ હું હિન્દુસ્તાનને ગુજરાતનાં માટે હોડમાં મૂકવા તૈયાર નથી : મોરારજી દેસાઇ
4). જરૂર પડ્યે હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ : મોરારજી દેસાઇ
5). બંધુકની ગોળીઓ ઉયર નામ-સરનામા લખેલાં હોતા નથી : ઠાકોરભાઈ દેસાઇ
6). ઇન્દુલાલ યાજ્ઞિક કે હરીહર ખાંભોળજા – મુંબઈ મહારાષ્ટ્રનું છે તેમ કહેનારા કોણ છે ? : સર પુરુષોતમ ત્રિકમદાસ
7). મુંબઈના ટુકડા કરીને ગુજરાત રહી શકશે નહીં : ડો. નરવણે
8). હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર પર દાવો કરું પરંતુ આ પ્રશ્નનો નિર્ણય હું મુંબઈના ગુજરતીઓ ઉપર છોડું છું : વિનોબા ભાવે
9). અમદાવાદ ગુજરાતનું પાટનગર થાય, પરંતુ પાટનગર થવું હશે તો કિંમત ચૂકવવી પડશે : મોરારજી દેસાઇ
10). મોરારજીના ઉપવાસ એ જ ખુદ હિંસક તત્વ છે, કેમ કે તેમણે પોલીસ દમનની સામે દૂ:ખનો એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. આ તો નબળા મનનો માનવી બૈરી પર શૂરો : ડો. સુમંત મહેતા
11). આંદોલન કચડવા ધમકીઓ અપાય છે. પરંતુ આવા શબ્દો જનરલ ડાયરના મોં એ શોભે તેવા છે. : ઇન્દુલાલ યાજ્ઞિક
12). આવા આંધળા ગોળીબાર કરવાનું બુદ્ધિનું પ્રદર્શન કડી જોયું નથી : બ્રહ્મકુમાર ભટ્ટ
13). મહાગુજરાતનું કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાહ્યાઓએ ડૂબાડી દીધેલું છે : ઇન્દુલાલ યાજ્ઞિક
14). મુંબઈની સરકારમાં મોરારજી નથી તેથી ગુજરાતની કોંગ્રેસણે વૈધવ્ય પ્રાપ્ત થયું છે : ઇન્દુલાલ યાજ્ઞિક
15). રાત-દિવસ એક થાય અને પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઊગે તો પણ મહાગુજરાત ન થાય : રતુભાઈ અદાણી
16). અમદાવાદની જનતા બુલેટનો જવાબ બેલેટથી આપશે : ઇન્દુલાલ યાજ્ઞિક
17). આપણે દ્વિભાષી રાજયના ભૂક્કા બોલાવીશું, કાં તો મહાગુજરાત લઈશું કે મોતને ભેટીશું : ઇન્દુલાલ યાજ્ઞિક
18). ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવનાત્મક એકતા સ્થપાઈ નથી આથી જલ્દી વિભાજન કરવામાં આવે : યશવંતરાય ચૌહાણ
19). ગાંધીજી કહેતા હતા, અંગ્રેજોના ગયા પછી ગોળીઓ તમે લખોટીની જેમ રમી શકાશે. પરંતુ તેમના ગયા પછી તેની કોઈ અસર થઈ નહીં. ગોળીબાર થયા પછી મને એક માહિનો ખાવાનું ભાવ્યું નથી. : રવિશંકર મહારાજ
મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા
1). ઇન્દુલાલ યાજ્ઞિક
2). રતિલાલ ખુશાલદાસ
3). બ્રહ્મકુમાર ભટ્ટ
4). જયંતિ દલાલ
5). હરીહર ખંભોળજા
6). હિંમતલાલ શાસ્ત્રી
7). દાદુભાઈ અમિન
8). સનત મહેતા
9). કરશનદાસ પરમાર
10). માર્તદ શાસ્ત્રી
મહાગુજરાત આંદોલન પર લખાયેલા પુસ્તકો
પુસ્તક | લેખક |
---|---|
જનઆંદોલન મહાઆંદોલન | સનત મહેતા |
માયા | ઇન્દુલાલ યાજ્ઞિક |
લે કે રહેંગે મહાગુજરાત | બ્રહ્મકુમાર ભટ્ટ |
મહાગુજરાત આંદોલનની ક્ષીર | ઈશ્વર પેટલીકર |
મહાગુજરાત આંદોલન સમયે રચાયેલી મહત્વની સમિતિઓ
સમિતિનું નામ | અધ્યક્ષ |
---|---|
મહાગુજરાત સીમા સમિતી | પુરુષતોમદાસ ત્રિકમદાસ |
મહાગુજરાત પગલાં સમિતી | અધ્યક્ષ શૈલેશ અનંત |
મહાગુજરાત જાનતા પરિષદ | ઇન્દુલાલ યાજ્ઞિક |
મહાગુજરાત પરિષદ | હિંમતલાલ શુક્લ |
મહાગુજરાત આંદોલન સંબધિત વિશેષ માહિતી
મહાગુજરાત આંદોલન પહેલા ગુજરાત બૃહદ મુંબઈ રાજયનો ભાગ હતું.
મહાગુજરાત સીમા સમિતિની રચના ઇ.સ 1951માં થઈ હતી જેના અધ્યક્ષ પુરુષતોમદાસ ત્રિકમદાસ હતા.
ડાંગનો ગુજરાતમાં સમાવેશ થાય તેનો અહેવાલ આપનાર નાનુંભાઈ દેરાસરી હતા.
ડાંગ માટેની લડત છોટુભાઈ પુરાણી, અંબુભાઈ પુરાણી, ઘેલુંભાઈ નાયકે શરૂ કરી હતી.
મહાગુજરાત પરિષદની રચના 1952માં ભાયલાલ પટેલ ની પ્રેરણાથી થઈ હતી જેના અધ્યક્ષ હિંમતલાલ શુક્લ હતા.
8 ઓગસ્ટ 1956 મહાગુજરાત આંદોલનનો પ્રારંભ થયો હતો.
મહાગુજરાત આંદોલન 3 વર્ષ 8 મહિના 24 દિવસ ચાલ્યું હતું.
મહાગુજરાત આંદોલન વખતે ગુજરાત કોંગ્રેસના મહામંત્રી (પ્રમુખ) ઠાકોર ભાઈ દેસાઇ હતા.
મહાગુજરાત આંદોલનને ખુલ્લુ સમર્થન આપનાર સમાચાર પત્ર જનસત્તા છે. તેના તંત્રી રમણલાલ શેઠ હતા.
મહાગુજરાત આંદોલન વખતે સૌથી વધુ કોંગ્રેસમાંથી રાજીનામાં મહેસાણા જિલ્લામાંથી પડ્યા હતા.
અમ્રુતલાલ હરગોવિંદ શેઠે મોસંબીનો રસ પીવડાવી મોરારજી દેસાઇને પરણા કરવ્યા હતા.
31 ઓક્ટોબર 1956ના રોજ મસાલ સરઘસમાં ઇંદુલાલ યાજ્ઞિકને ચાંદીની મસાલ પ્રવીણ ચાલીસા હજારે એ ભેટ આપી હતી.
મહાગુજરાત આંદોલનમાં શહીદ સપ્તાહનું આયોજન 1 થી 8 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું.
મહાગુજરાત જાનતા પરિષદનું કાર્યાલય અમદાવાદના રિલિફ રોડ પર હતું. ગલી-ગલી મે ગુજે નાદ પુસ્તિકા બકુલ જોશીપૂરાએ તૈયાર કરાવી હતી.